ઓક્ટોબર મહિનામાં દેશમાં કાર, દ્વિચક્રી અને કમર્શિયલ વાહનોનું વેચાણ 21.44 લાખ એકમથી 32 ટકા વધીને 28.33 લાખ એકમ થયું છે. ધ ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશનને એક યાદીમાં જણાવ્યું છે કે, તહેવારો દરમિયાન ભારે ડિસ્કાઉન્ટને કારણે વેચાણમાં વધારો નોંધાયો છે.
ફેડરેશને જણાવ્યું છે કે, રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવમાં વધારાને કારણે ગ્રામીણ બજારોમાં દ્વિચક્રી અને પેસેન્જર વાહનનાં વેચાણમાં વધારાને વેગ મળ્યો છે. તહેવારોની માંગને પગલે કારનું વેચાણ 32 ટકા વધીને 4 લાખ 83 હજાર એકમ થયું છે. ખાસ કરીને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ્સ- SUVના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા મહિને દ્વિચક્રી વાહનોનું વેચાણ 15.14 લાખ એકમથી 36 ટકા
વધીને 20.7 લાખ એકમ થયું છે, જ્યારે ત્રિ-ચક્રી વાહનનું વેચાણ 11.5 ટકા વધીને 1.23 લાખ એકમ થયું છે. ટ્રેક્ટરનું વેચાણ ત્રણ ટકા વધીને 64 હજાર 433 એકમ થયું
છે.