ઉત્તરાખંડ સરકારે દેશની પ્રથમ ત્રિભુવન સહકાર વિશ્વ-વિદ્યાલયનું એક પરિસર તેમના રાજ્યમાં શરૂ કરવાની ઇચ્છા દર્શાવી છે. રાજ્યના પ્રવાસે આવેલા ઉત્તરાખંડના સહકાર મંત્રી ડૉક્ટર ધનસિંહ રાવતે આજે ગાંધીનગરમાં આ વાત કહી. તેમણે કહ્યું, ગુજરાતે સહકાર ક્ષેત્રે કરેલા કામ અન્ય રાજ્યમાં પણ થવા જોઈએ. શ્રી રાવતે ગુજરાત મૉડેલે ખેડૂતો માટે સરાહનીય કામ કર્યું હોવાનું ઉમેર્યું. તેમણે ગુજરાતે સરકાર ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ ઉત્તરાખંડ સહિત અન્ય રાજ્યોમાં અમલી બનાવાશે તેમ પણ જણાવ્યું.
દરમિયાન રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, તાજેતરમાં પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં સહકાર મંત્રીઓની બેઠકમાં ગુજરાત મૉડેલના અભ્યાસ માટે તમામ સહકાર મંત્રીઓને સૂચના આપી હતી. તેના ભાગરૂપે ઉત્તરાખંડના સહકાર વિભાગની ટીમ ચાર દિવસથી રાજ્યના પ્રવાસે છે.