રાજ્યમાં કેટલાંક સ્થળોએ આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ શહેરમાં ઇસ્કોન દ્વારા 21મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિર, વલ્લભ વિદ્યાનગર દ્વારા ભાવિકોને 50 હજાર સાઠા પ્રસાદના પેકેટ અને વિદ્યાનગર શાસ્ત્રી ગ્રાઉન્ડમાં 11 હજાર ભાવિકોને ભોજન-પ્રસાદ આપવામાં આવશે.
આ રથયાત્રા આજે બપોરે 2:30 કલાકે પ્રસ્થાન થનારી યાત્રાનું મુખ્ય આકર્ષણ રંગોળી તેમજ હાથી અને હરિનામ કીર્તન છે.
આ ઉપરાંત પેટલાદ ખાતે છેલ્લા 100 વર્ષથી નીકળતી રણછોડજી મંદિરની રથયાત્રાનું બપોરે એક કલાકે પ્રસ્થાન કરવામાં આવશે.
પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની 143મી ભવ્ય રથયાત્રા યોજાશે. જગદીશ મંદિર ખાતેથી બપોરે 2 વાગે આરતી પૂજા બાદ ચાંદી મઢેલા ત્રણ રથોમાં બિરાજમાંન થઈને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રજી પાટણની નગરચર્યાએ નીકળી ભક્તોને દર્શન આપશે. 6 કિલોમીટર ના રૂટ પર રથયાત્રાના દર્શન માટે આવતા ભાવિકજનો માટે સેવા કેમ્પોના આયોજન કરવામાં આવ્યું છે.
રથયાત્રામાં મોટી સંખ્યામાં બેન્ડ, અખાડાના દાવ, ભજન મંડળીઓ, વિવિધ સંસ્થાના ટેબલોઝ, વિવિધ વેશભૂષા સહિતના અનેકવિધ આકર્ષણો છે.
આ ઉપરાંત સિધ્ધપુરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.
ભાવનગરમાં સવારે ૮ વાગે ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી ભગવાન જગન્નાથજીની ૪૦મી રથયાત્રા નીકળશે, જે ૧૭.૫ કિલોમીટરના માર્ગ પર પસાર થઈને રાત્રે ૧૦ વાગે સુભાષનગર નિજ મંદિરે પરત ફરશે.
ભોઈ સમાજના યુવાનો દોરડા વડે રથને ખેંચીને ભગવાનને નગરયાત્રા કરાવશે.
અમદાવાદ બાદ ભાવનગરની રથયાત્રા રાજ્યમાં બીજી મોટી રથયાત્રા હોવાનું મનાય છે. રથયાત્રાના પ્રસ્થાન સમયે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા ઉપસ્થિત રહેશે.
Site Admin | જૂન 27, 2025 8:31 એ એમ (AM) | Rathyatra
આજે ભાવનગર, આણંદ અને પેટલાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે
