ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બપોરે વિજય મુહૂર્તમાં સરદાર સરોવર ડેમ સાઈટ એક્તા નગર પહોંચીને નર્મદાના નીરના વધામણા કર્યા હતા. ડેમની ૧૩૮.૬૮ મીટર સપાટીએ કુલ જળસંગ્રહ ક્ષમતા ૯૪૬૦ મીલીયન ઘનમીટર છે.
આ વર્ષે સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ ૧૧ ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો. અત્યાર સુધીમાં ૫૧ દિવસ સુધી આ જળાશય છલકાયું છે. નર્મદા યોજનાના રીવર બેડ પાવર હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાં આ વર્ષે ચોમાસામાં કુલ ૧૩૪૩ મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં ૬૨૮૩ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે.
મુખ્યમંત્રીએ રાજ્યના ૧૦,૦૧૪ ગામો, ૧૮૩ શહેરો અને ૭ મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને ચાર કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પુરું પાડતા આ જળાશય છલકાતાં મંત્રોચ્ચાર વચ્ચે જળ રાશિનું પૂજન કર્યુ હતું.
૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ પછી આ ડેમ અત્યાર સુધીમાં પાંચ વાર તેની મહત્તમ સપાટીએ ભરાયો છે. ડેમ ઓવરફ્લો થતાં રાજ્યની ૧૦ નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવી છે.
દરમિયાન, સારા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 345 ફુટની સંપૂર્ણ સપાટી સુધી ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી છે. ડેમ સંપૂર્ણ ભરાતા તાપી, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાના લોકોને ખેતી માટે આગામી એક વર્ષથી વધુ સમય ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે.