પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું- સરકારે મહિલા-નેતૃત્વ વિકાસને રાષ્ટ્રીય પ્રગતિનો પાયો બનાવ્યો છે અને મહિલાઓ દરેક મહત્વની સરકારી પહેલના કેન્દ્રમાં છે. આજે ભોપાલના જાંબુરી મેદાન ખાતે લોકમાતા દેવી અહિલ્યા બાઈની 300મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો ભારતની મહિલા શક્તિ માટે એક પડકાર હતો અને ગુનેગારો માટે મૃત્યુદંડ સાબિત થયો છે.
શ્રી મોદીએ 124 એકરમાં 60 કરોડના ખર્ચે બનેલા દતિયા હવાઈમથક અને અંદાજે 37 કરોડ રૂપિયાના ખર્ચે નવા બનેલા સતના હવાઈમથકનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. તેમણે ઇન્દોરમાં મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પણ કર્યું અને એક હજાર 271 નવા અટલ ગ્રામ સેવા સદન ભવનોના નિર્માણ માટે પ્રથમ હપ્તો પણ રજૂ કર્યો.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ લોકમાતા દેવી અહિલ્યા બાઈને સમર્પિત ટપાલ ટિકિટ અને ૩૦૦ રૂપિયાનો સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો. તેમણે સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત લોકમાતા દેવી અહિલ્યા બાઈના સુશાસન, મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિ પરના પ્રદર્શનની પણ મુલાકાત લીધી.