રાજ્યમાં વરસાદની મોસમ જામી છે. આજે સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદનાં અહેવાલ છે. તાપી જિલ્લાના ડોલવણ, બારડોલી અને વ્યારા તાલુકા અને ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ત્રણથી ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.
તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, મીંઢોળા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાતા નદી બે કાંઠે વહી રહી છે. જિલ્લાની નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા નદી નાળાઓ પર આવેલ 61 માર્ગ બંધ કરવામાં આવ્યા છે. મૂશળધાર વરસાદને પગલે તૂટી ગયેલા રોડ રિપેર કરવામાં આવ્યા. વ્યારા તાલુકાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધી મુનીરા શેખ જણાવે છે કે, સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય ચાર નદીઓ- અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ બે કાંઠે વહી રહી છે. ગીરાધોધમાં પાણીની આવક વધી છે, જ્યારે આહવા નજીક શિવ ઘાટ પાસે નયનરમ્ય દ્રશ્યો સર્જાતા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 34.45 ટકા વરસાદ વરસ્યો છે. વિજાપુર તાલુકામાં સૌથી વધુ 55.45 ટકા અને બહુચરાજીમાં સૌથી વધુ 16.41 ટકા વરસાદ થયો છે.
Site Admin | જુલાઇ 6, 2025 2:34 પી એમ(PM)
રાજ્યમાં વરસાદની મોસમ જામી છે. આજે સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 99 તાલુકામાં વરસાદનાં અહેવાલ છે
