મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતે શહેર-જિલ્લાના ૫૫૭ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા ૩૪૩.૩૯ કરોડ રૂપિયાના ૧૩ વિકાસ કામોનાં લોકાર્પણ તથા ૨૧૩.૭૯ કરોડ રૂપિયાના ૨૮ વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ થનારા વિકાસ પ્રકલ્પોમાં ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. ૨૩૮.૧૧ કરોડના ખર્ચે ૬૬ કે.વી.ના નવા સાત સબ સ્ટેશનોનું અને અંદાજે ૮૪.૨૯ કરોડના ખર્ચે નવનિર્મિત મચ્છુ-૧, મોવિયા અને પડધરી મળીને ત્રણ સુધારણા જૂથ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ યોજનાઓ કાર્યરત થતા ૧૩૨ ગામના કુલ ૩.૭૦ લાખથી વધુ લોકોને માથાદીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત પહોંચાડવામાં આવશે.આ સાથે જસદણ ખાતે આશરે સાત એકરમાં ૮.૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલનું લોકાર્પણ તથા માર્ગ મકાન વિભાગ હસ્તકના ૧૧૨ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર પાંચ રોડ અને બે પુલનું ખાતમુહૂર્ત તથા એક રોડનું લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે ૧૧૮ કરોડથી વધુના રસ્તાના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થકી રાજકોટ જિલ્લાની આર્થિક અને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.મુખ્યમંત્રી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રેસકોર્સમાં ૫.૯૧ કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવા સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫૦.૫૨ કરોડ રૂપિયાની રકમનાં ૧૭ વિકાસ કામોનું ખાતમૂહરત કરશે. જે અંતર્ગત પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડિંગ, આંગણવાડીનું બાંધકામ, નવા ફિલ્ટર પ્લાન્ટ અને વરસાદી પાણી થકી ભૂગર્ભ જળ સંચય જેવા કાર્યો અને પર્યાવરણ સંરક્ષણના કામો કરવામાં આવશે. આ સાથે શહેરના વિવિધ વોર્ડમાં ડ્રેનેજ, કચેરીઓના રી-કન્સ્ટ્રક્શન, પેવિંગ બ્લોક, ભૂગર્ભ ગટર, રસ્તા અને વોટરવર્કસ્ નેટવર્કને વધુ મજબૂત કરવાનાં કામો કરાશે.જિલ્લામાં આરોગ્ય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા ૪૬. ૩૧ કરોડ રૂપિયાના વિકાસ કામો અંતર્ગત જસદણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. ઉપરાંત રાજકોટની મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલમાં મલ્ટી લેવલ કાર પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. આ સાથે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૫૫ લાખ રૂપિયાના ખર્ચે ઈશ્વરીયા પાર્ક ખાતે “કેક્ટસ ગાર્ડન”નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે.
Site Admin | જૂન 6, 2025 8:45 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ ખાતે શહેર-જિલ્લાના ૫૫૭ કરોડ રૂ.ના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે
