બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 એ પહોંચ્યો છે. ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યકત કરતાં મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી.
ઘટના અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ ફેક્ટરીમાં લાયસન્સ વિના ફટાકડા સ્ટોરેજ કરવામાં આવ્યા હતા, જેનું લાયસન્સ પણ રિન્યૂ કરાયું ન હતું. શ્રી પટેલે જણાવ્યું કે ઘટના અંગે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ચિંતા કરવા સરકારને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસાના ગોડાઉનમાં ફટાકડા બનાવવાની કામગીરી દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં 18 શ્રમિકોના મોત થયા હતા.
Site Admin | એપ્રિલ 1, 2025 7:03 પી એમ(PM)
બનાસકાંઠાના ડીસાના ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 18 એ પહોંચ્યો; બેની ધરપકડ
