પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ત્રિનિદાદ અને ટૉબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમતથી ભરેલી છે. આજે સવારે ત્રિનિદાદ અને ટૉબેગોમાં ભારતીય સમુદાયને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, તેમના પૂર્વજ પ્રવાસી જ નહીં, પણ એક શાશ્વત સભ્યતાના સંદેશવાહક હતા.
આ પ્રસંગે શ્રી મોદીએ જાહેરાત કરી કે, ત્રિનિદાદ અને ટૉબેગોમાં ભારતીય મૂળના નાગરિકો હવે દરિયાપારના નાગરિક એટલે કે, ઑવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા કાર્ડ માટે પાત્ર હશે. આનાથી તેઓ કોઈ પણ પ્રતિબંધ વગર ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે.
શ્રી મોદીએ ભારતીય સમુદાયને તેમની પૈતૃક ભૂમિનો પ્રવાસ કરવા અને ભારતની સાથે પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવા પ્રોત્સાહિત કર્યા. શ્રી મોદીએ ભારતીય સમુદાયના સાંસ્કૃતિક યોગદાનની પ્રશંસા કરતા કહ્યું, અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ અને સરયૂ નદીનું પવિત્ર જળ પોતાની સાથે લાવવું એ સન્માનની વાત છે. શ્રી મોદીએ અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે ભારતીય સમુદાય દ્વારા “શિલા” અને પવિત્ર જળ મોકલવાની ભાવનાને યાદ કરી.
પ્રધાનમંત્રી ગત રાત્રે પોતાના પાંચ દેશના પ્રવાસના બીજા તબક્કામાં ત્રિનિદાદ અને ટૉબેગોના પૉર્ટ ઑફ સ્પેન પહોંચ્યા. હવાઈ મથક પર ત્રિનિદાદ અને ટૉબેગોનાં પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસરે પોતાના મંત્રીમંડળના સભ્યો અને અન્ય અગ્રણી મહાનુભાવોની સાથે મળી શ્રી મોદીનું સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રી તરીકે શ્રી મોદીનો ત્રિનિદાદ અને ટૉબેગોનો આ પહેલો પ્રવાસ છે અને વર્ષ 1999 બાદથી પ્રધાનમંત્રી સ્તરનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે. બે દિવસના પ્રવાસ દરમિયાન શ્રી મોદી ત્રિનિદાદ અને ટૉબેગોના રાષ્ટ્રપ્રમુખ ક્રિસ્ટીન કાર્લા કાંગાલૂ અને પ્રધાનમંત્રી કમલાપ્રસાદ બિસેસર સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટૉબેગોની સંસદના સંયુક્ત સત્રને પણ સંબોધશે.
સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ભારતથી ત્રિનિદાદ અને ટૉબેગો આવેલા અનેક લોકોએ છેલ્લા ઘણા વર્ષોમાં વિવિધ ક્ષેત્રે પોતાની વિશેષ ઓળખ બનાવી છે અને તેઓ દેશની વિકાસયાત્રાને સમૃદ્ધ બનાવી રહ્યા છે. શ્રી મોદીએ પૉર્ટ ઑફ સ્પેનમાં અવિસ્મરણીય સ્વાગત માટે સ્થાનિક ભારતીય સમુદાયનો આભાર પણ વ્યક્ત કર્યો.
Site Admin | જુલાઇ 4, 2025 1:14 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટૉબેગોમાં રહેતા ભારતીય સમુદાયના વંશજોને શાશ્વત સભ્યતાના સંદેશાવાહક ગણાવ્યા
