ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલનમાં સભ્ય દેશોને આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ આપનારા સામે કડકાઈથી પગલાં લેવા જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને કહ્યું કે, ‘તેઓ સંગઠિત થઈ સહયોગ સાથે આતંકવાદ અને આતંકી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડનારાઓનો કડકાઈથી સામનો કરશે.’ શ્રી મોદીએ કહ્યું, ‘આ ગંભીર મુદ્દા પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન નથી.’ ગઇકાલે રશિયાના કઝાનમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના બનેલા બ્રિક્સ શિખર સંમેલનની 16મી આવૃત્તિના સમાપનસત્રને સંબોધતા શ્રી મોદીએ આમ કહ્યું હતું.
શ્રી મોદીએ ઉમેર્યું કે, ‘યુવાનોને કટ્ટર બનાવતી શક્તિઓને રોકવા માટે સક્રિયતાથી કામ કરવું પડશે.’ તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં વિચારણા હેઠળ રહેલા આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સમજૂતીના મુદ્દા પર કામ કરવાનું પણ આહ્વાન કર્યું હતું. શ્રી મોદીએ સાયબર સલામતી અને કૃત્રિમ બુદ્ધિમત્તાને સલામત બનાવવા માટે વૈશ્વિક દિશાનિર્દેશ પર કામ કરવા પર પણ ભાર મૂક્યો હતો.
શ્રી મોદીએ કહ્યું કે, ‘ફુગાવાને નિયત્રણમાં લાવવું અને ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવી તથા ઊર્જા, આરોગ્ય અને પાણી જેવા વિષય દરેક દેશ માટે પ્રાથમિકતાના મુદ્દા છે.’
દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં હાજરી આપીને ગઈ કાલે રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ચીનના પ્રમુખ શી જીનપિંગ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન અને ઇરાનના નવા નિયુક્ત રાષ્ટ્રપતિ મસૌદ પેઝેશ્કિયાન સાથે અલગથી મંત્રણા કરી હતી. શ્રી મોદીએ ઉઝબેકિસ્તાનના પ્રમુખ શાવકત મિર્ઝીયોયેવ અને યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી.