પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે- ઉપરાંત વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ, ચેનાબ બ્રિજ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ- અંજી બ્રિજ, જે USBRLનો ભાગ છે, તેનું પણ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે. 272 કિલોમીટરનો આ USBRL પ્રોજેક્ટ લગભગ 44 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. USBRL પ્રોજેક્ટમાં 36 ટનલ અને 943 પુલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ કાશ્મીર ખીણ અને દેશના બાકીના ભાગો વચ્ચે આખું વર્ષ હવામાનની વિકટ પરિસ્થિતિમાં નિરંતર રેલવે કનેક્ટિવિટી બની રહશે.
આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે – એક શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી શ્રીનગર અને બીજી શ્રીનગરથી કટરા. કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનોની નિયમિત સેવાઓ શનિવારથી શરૂ થશે.
આ ઉપરાંત, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં છેલ્લા માઇલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે, પ્રધાનમંત્રી વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કટરામાં રિયાસી જિલ્લાની 350 કરોડથી વધુની કિંમતની પ્રથમ મેડિકલ કોલેજ -શ્રી માતા વૈષ્ણો દેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનો શિલાન્યાસ પણ કરશે.
Site Admin | જૂન 6, 2025 7:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી આજે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે – વિવિધ રોડ પ્રોજેક્ટ્સનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
