કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે. કોલકાતામાં રાજારહાટ ખાતે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી-CFSLના નવા ભવનનું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું કે, ફોરેન્સિક માળખામાં સુધારો એ આ પ્રયાસનો મુખ્ય ભાગ છે.
તેમણે જણાવ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી- NFSU બનાવવામાં આવશે.
ગઈ કાલથી રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દેશભરમાં ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે કારણ કે ન્યાયી અને સચોટ ચુકાદાઓ માટે વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે. 88 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ અત્યાધુનિક સુવિધાથી માત્ર પશ્ચિમ બંગાળના લોકોને જ નહીં, પરંતુ ઝારખંડ, બિહાર, ઓડિશા, સિક્કિમ, આસામ અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રોનાં પડોશી રાજ્યોને પણ લાભ થશે.
અન્ય એક કાર્યક્રમમાં શ્રી દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભાની ચૂંટણીમાં આગામી સરકાર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. કોલકાતામાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક જાહેર સભાને સંબોધતા શ્રી શાહે રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસ સરકારની આકરી ટીકા કરી હતી.
બાદમાં શ્રી શાહે કોલકાતામાં સિમલા સ્ટ્રીટ ખાતે સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને સંતો સાથે વિશેષ બેઠક યોજી હતી. શ્રી શાહે સ્વામીજીની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સભામાં વિવિધ ધાર્મિક સંસ્થાઓના આશરે 200 સંતો અને સાધુઓએ ભાગ લીધો હતો.