કેન્દ્રીય મંત્રીમંડળે 6 હજાર 405 કરોડ રૂપિયાની રેલવે મંત્રાલયની બે પરિયોજનાને મંજૂરી આપી છે. આ પરિયોજનામાં કોડરમા-બરકાકાના રેલ લાઇનને ડબલ કરવાને ત્રણ હજાર 63 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બલ્લારી-ચિકજાજુર રેલ લાઇનને ડબલ કરવા ત્રણ હજાર 342 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. મંત્રીમંડળની બેઠક બાદ નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 133 કિલોમીટરનો કોડરમા-બરકાકાના ડબલિંગ પ્રોજેક્ટ 938 ગામ અને 15 લાખ લોકોને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે 185 કિલોમીટર લાંબી બેલ્લારી-ચિકજાજુર ડબલિંગ લાઇન મેંગલોર બંદરને સિકંદરાબાદ સાથે જોડશે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ કર્ણાટકના બલ્લારી અને ચિત્રદુર્ગ અને આંધ્રપ્રદેશના અનંતપુરમાંથી પસાર થાય છે.
આ પરિયોજનાના નિર્માણ દરમિયાન, અંદાજે 108 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન થશે.