આજે ચૈત્ર શુક્લ પક્ષ પૂર્ણિમાનાં રોજ દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. આજે રાજ્યભરનાં હનુમાન મંદિરોમાં સુંદરકાંડનાં પાઠ અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધી પ્રકાશ ભીમાણી જણાવે છે કે, સુપ્રસિધ્ધ સાળંગપુર ધામ ખાતે ગઈ કાલે નારાયણ કુંડથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણ સુધી કળશયાત્રા અને શોભાયાત્રા યોજાઈ હતી. આશરે ત્રણ લાખ ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આજે સાળંગપુર ખાતે ત્રણથી ચાર લાખ ભાવિકોનાં આગમનને ધ્યાનમાં રાખીને સારંગપુર આવા જવા માર્ગમાં ફેરફાર કર્યો છે.ભાવનગર જિલ્લાના અમારા પ્રતિનિધી સુરેશ ત્રિવેદી જણાવે છે કે, તલગાજરડા ખાતે આવેલા તીર્થ શ્રી ચિત્રકૂટ ધામ ખાતે આજે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, સંગીતમય પાઠ અને આરતી સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના અમારા પ્રતિનિધી સંજીવ મહેતા જણાવે છે કે, જગન્નાથજી મંદિર,સોરઠીયા વાળંદ જ્ઞાતિની જગ્યા ખાતે કિષ્કિન્ધા સ્વરૂપ હનુમાનજીની અતિ પ્રાચીન મૂર્તિ આવેલી છે. આ પ્રકારની દક્ષિણામુખ હનુમાનજી ની મૂર્તિ સમગ્ર ભારતમાં ત્રણ જ સ્થળોએ છે.
Site Admin | એપ્રિલ 12, 2025 8:53 એ એમ (AM)
આજે દેશભરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છેઃ સુંદરકાંડનાં પાઠ અને વિશેષ પૂજાનું આયોજન